SimpleDraw-માં ગુજરાતી લખાણ
જો તમારું લખાણ સાચું ન દેખાય
આ તમે તમારી રીતે સુધારી શકો એવું નથી
કોઈ ફોન્ટ, કીબોર્ડ, એન્કોડિંગ કે બ્રાઉઝરની કોઈ સેટિંગ આને બદલશે નહીં. આ તમારા ઉપકરણની ખામી નથી, અને તમે જે રીતે લખાણ ટાઇપ કર્યું તેની પણ ખામી નથી. SimpleDraw કૅનવાસ પર લખાણ જે રીતે દોરે છે તેની આ મર્યાદા છે.
કૃપા કરીને ખાતરી કરો કે આ એ જ સમસ્યા છે જેના વિશે અમે જાણીએ છીએ
આ પાને આગળ નીચે અમે ગુજરાતી લિપિની જે સમસ્યા વિશે જાણીએ છીએ તેનું વર્ણન કર્યું છે. જો તમને કંઈક જુદું દેખાતું હોય, તો કૃપા કરીને અમને જણાવો, અને અમે એની તપાસ કરીશું.
અમને જણાવો કે આની અસર તમારા પર પડી રહી છે
SimpleDraw-નો આગળનો વિકાસ અમારા વપરાશકર્તાઓના સમુદાયની જરૂરિયાતો પ્રમાણે થાય છે. જો અમને ખબર હોય કે કોઈ ચોક્કસ લિપિની સમસ્યા આ ઍપનો સક્રિય રીતે ઉપયોગ કરનારા લોકોને અસર કરી રહી છે, તો એનાથી અમને એ નક્કી કરવામાં મદદ મળે છે કે જે લિપિઓ અમે સાચી રીતે દર્શાવીએ છીએ તેમની શ્રેણી વધારવા માટે આગળ કયા સુધારાને પ્રાથમિકતા આપવી. તમે અમારા Discord સર્વર પર અમારો સંપર્ક કરી શકો છો, અથવા translation@simpledraw.app પર અમને ઈમેલ કરી શકો છો.
આવું કેમ થાય છે
અક્ષરોની હારમાળાને વાંચી શકાય એવી પંક્તિમાં ફેરવવી એ હંમેશાં દરેક અક્ષર માટે એક આકાર દોરી દેવા જેટલું સીધું નથી હોતું. ઘણી લેખન પદ્ધતિઓમાં આકારો પડોશી અક્ષરો પ્રમાણે બદલાય છે, અક્ષરો ભેગા થઈને નવા આકાર (જેમ કે જોડાક્ષર) બનાવે છે, ચિહ્નો ઉપર અને નીચે જોડાય છે, કેટલાંક ચિહ્નો અક્ષર પછી સંગ્રહાય છે પણ દોરાય છે તેની પહેલાં, અને કેટલીક લિપિઓ જમણેથી ડાબે કે ઉપરથી નીચે લખાય છે. આ બધું ગોઠવી આપનારા સૉફ્ટવેરને ટેક્સ્ટ શેપિંગ એન્જિન કહે છે, અને એ એક મોટું અને વિશિષ્ટ ઇજનેરી કામ છે.
તમારા બ્રાઉઝરમાં પોતાનું ટેક્સ્ટ શેપિંગ એન્જિન છે, એટલે જ આ પાનું સાચું દેખાય છે. SimpleDraw ચિત્રો WebGL નામની ટેક્નોલોજી વડે દોરે છે, અને કમનસીબે એનો અર્થ એ થાય કે એ તમારા બ્રાઉઝરના પોતાના શેપિંગ એન્જિનનો ઉપયોગ કરી શકતું નથી. અમે એક ઓપન-સોર્સ ટેક્સ્ટ શેપિંગ એન્જિન વાપરીએ છીએ જે WebGL સાથે કામ કરી શકે છે. એ મોટા ભાગની લિપિઓ સારી રીતે સંભાળે છે, પણ આ પાના પર જણાવ્યા મુજબ કેટલીક લિપિઓમાં એ ઊણું ઊતરે છે.
જો SimpleDraw તમારી લિપિ બરાબર સંભાળી શકતું ન હોય, તો આ મર્યાદા માટે અમે ખરેખર દિલગીર છીએ. આને સુધારવું અશક્ય નથી, પણ એમાં કદાચ ઘણું વધારાનું કામ લાગે. આ મર્યાદાની તમારા પર કેવી અસર પડે છે એ તમે અમને જણાવશો, તો એનાથી અમને આ ક્ષેત્રમાં આગળના કામને પ્રાથમિકતા આપવામાં મદદ મળી શકે છે.
ગુજરાતી લિપિમાં શું ખોટું થાય છે
નીચેનો શબ્દ અમારી પોતાની ચકાસણીમાંથી લીધેલો છે. એક જ ફોન્ટ ફાઇલમાંથી એ શબ્દ બે વાર દોરાયો — એક વાર બ્રાઉઝરના પોતાના એન્જિન વડે, એક વાર SimpleDraw-ના એન્જિન વડે — અને પછી બંને ચિત્રો આંખે સરખાવ્યાં.
ગુજરાતી લિપિ
કઈ ભાષાઓ માટે: ગુજરાતી
કેવું દેખાવું જોઈએ
દિવસ
હ્રસ્વ ઇની માત્રાવાળો શબ્દ
SimpleDraw કેવું દોરે છે
હ્રસ્વ ઇની માત્રા વ્યંજનની પહેલાં આવવાને બદલે તેની પછી દોરાય છે.
ઉપરના શબ્દ વિશે
આ પાના પરના કેટલાક શબ્દો રોજિંદા વપરાશના શબ્દો તરીકે નહીં, પણ લિપિની કોઈ ખાસ વિશેષતા દર્શાવવા માટે પસંદ કરેલા છે, અને એમાંના થોડા તો શબ્દો જ નથી. અમે આ બધી ભાષાઓના નિષ્ણાત નથી. જો તમારી લિપિનું વર્ણન ખોટું હોય, અથવા તમારી પાસે કોઈ સૂચન હોય, તો કૃપા કરીને translation@simpledraw.app પર અમારો સંપર્ક કરો.